12 જુલાઈ, 2026
સોશિયલ મીડિયાના સમયમાં વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે અભિરુચિ કેળવાય એવા ઉમદા હેતુથી જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણું દ્વારા તારીખ 12 જુલાઈ ને રવિવારે મહેર કન્યા છાત્રાલયમાં વાંચન વિષયક એક કાર્યક્રમ યોજાઈ ગયો. સંસ્થાના નિયામક હરદાસભાઈએ વાંચન વલોણું ના સભ્યશ્રીઓનું શબ્દોથી સ્વાગત કર્યું. ભાવેશભાઈ જાદવે વાંચન અભિયાનની ભૂમિકા રજૂ કરી હતી. એલ.વી.જોશીએ વિદ્યાર્થિની બહેનોને પ્રેરણા આપી કે ઉત્તમ પ્રકારના પુસ્તકો વાંચવાથી જ ઉત્તમ વિચારો આવતા હોય છે. ઉપરાંત દરરોજ કોઈપણ સારા પુસ્તકના 10 પાના વાંચન કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ડૉ. હર્ષાબેન પાડલિયાએ કેવા પુસ્તકો વાંચવા જોઈએ એ અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં રાજુભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા. અંતે વાંચન વલોણું ગ્રંથાલયના પુસ્તકોમાંથી મનગમતું પુસ્તક મેળવીને વિદ્યાર્થિની બહેનોએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.





